સાર્વજનિક બગીચાની મુલાકાતે પર નિબંધ Garden Essay in Gujarati

સાર્વજનિક બગીચાની મુલાકાતે પર નિબંધ Garden Essay in Gujarati: શહેરોના ગીચ અને પ્રદૂષિત વાતાવરણમાં તનમનને તાજગી આપતા બગીચાઓ આશ્વાસન સમાન હોય છે. એટલે જ ઘણા બધા માનવીઓ દરરોજ સવારસાંજ બગીચામાં જતા હોય છે.

Garden Essay in Gujarati

સાર્વજનિક બગીચાની મુલાકાતે પર નિબંધ Garden Essay in Gujarati

મારા શહેરમાં ઠેરઠેર અનેક સાર્વજનિક બગીચાઓ આવેલા છે. ગયા રવિવારે હું મારા મિત્રો સાથે શહેરના એક જાણીતા બગીચાની મુલાકાતે ગયો હતો. બગીચાનું પ્રાકૃતિક સૌદર્ય ઊડીને આંખે વળગે તેવું રમણીય હતું. ચારે તરફ જાણે લીલી જાજમ પાથરી હોય તેવી કૂણી કૂણી લોન ફેલાયેલી હતી. એ કૂણી અને ભીની લૉન પર ચંપલ કાઢીને ચાલવાની મને ખૂબ મજા પડી હતી. બગીચામાં ઠેરઠેર મેંદીના અવનવા આકારોવાળી લાડ હતી. ક્યારીઓમાં ફૂલછોડ પર રંગબેરંગી ફૂલો ખીલેલાં હતાં. આ ઉપરાંત, ઠેરઠેર અનેક નાનાંમોટાં વૃક્ષો હતાં.

સાંજનો સમય હોવાથી માળા ભણી પાછાં ફરતાં પંખીઓનો મધુર કલશોર મનને પ્રલ્લિત કરતો હતો. મંદમંદ વાતા પવનથી ફૂલોની સુવાસ પણ બગીચામાં ચોમેર ફેલાના હતી. બગીચામાં આવેલા રંગબેરંગી ફુવારાઓ સુંદર દશ્યો અને અવનવા આકારો સર્જના હતા અને વાતાવરણને ઠંડું તેમજ તાજગીભર્યું બનાવતા હતા. એક બાજુ માળી બગીચાના ફૂલછોડને પાણી પીવડાવી રહ્યો હતો.

બગીચામાં માનવોનો મેળો જામ્યો હતો. બાળકો, યુવાનો, વૃદ્ધો વગેરે બગીચાની તાજગી માણતાં હતાં. ઠેરઠેર ગોઠવેલા બાંકડા પર કે લૉન પર બેસીને કેટલાક લોકો વાતો કરતા હતા. બાળકો અને યુવાનોનાં રંગબેરંગી વસ્ત્રોને કારણે બગીચાની શોભા વધી જતી હતી, બગીચાના એક ખૂણે કેટલાંક બાળકો હીંચકા, લપસણી, ચીચવો, સીડી વગેરે સાધનો પર રમવામાં મશગૂલ હતાં.

બગીચામાં ફરતાં ફરતાં અમે જોયું તો ‘ફૂલ તોડવાની મનાઈ છે’ એવું પાટિયું હોવા છતાં કેટલાક લોકો છોડ પરથી ફૂલ તોડતા હતા. મને કલાપીની પંક્તિ યાદ આવી :

“સૌદર્યો વેડફી દેતાં, ના ના સુંદરતા મળે;
સૌંદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે.”

એક ઠેકાણે કેટલાક લોકો ટોળે વળીને જુગાર રમતા હતા પણ ત્યાં જ પોલીસ આવતાં એ લોકો ભાગી ગયા. મને થયું, આવા સોંદર્યથી શોભતા બગીચામાં બેસીને જુગાર રમવો એ તો સૌંદર્યનું હડહડતું અપમાન છે !

ખૂબ ફર્યા પછી અમે એક ઘટાદાર વૃક્ષ નીચે બેઠા અને થોડા સમય પછી બગીચાની બહાર આવ્યાં.

બગીચાની બહાર ખાણીપીણીના અનેક સ્ટૉલ હતા તેમજ ખૂમચાવાળા ફેરિયાઓ પણ હતા. ત્યાં અનેક લોકોની ભીડ જામી હતી. અમે પાણીપૂરી અને ભેળપૂરી ખાધાં. ત્યારપછી અમે ઘર તરફ પાછા ફર્યા.

શહેરમાં ગીચ વસતી વચ્ચે આવેલા અને પ્રકૃતિનો પરિચય કરાવતા આવા બગીચાઓ સાચે જ તનને તંદુરસ્તી અને તાજગી આપનારા તથા મનને પ્રફુલ્લિત કરનારા હોય છે.Share: 10

About Author:

Hi, I am a B.A. student. On this blog, you will find essays, speeches, good thoughts, and stories to read. If you also want to write a story, you can write it on our blog.

Leave a Comment